ભારત સરકારની માર્ગદર્શિકા
goi
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાજ્યોને, રાજ્યની આદિજાતિ પેટા યોજના (TSP) ઉપરાંતની ખાસ કેન્દ્રીય સહાય પણ ઉપલબ્ધ કરાય છે. આ ખાસ કેન્દ્રીય સહાયનો મુખ્ય હેતુ કૃષિ, બાગબાની, રેશમ ઉદ્યોગ અને પશુપાલન તથા સહકાર જેવાં ક્ષેત્રોમાં પરિવારલક્ષી આવક પેદા થઈ શકે તેવો છે. ખાસ કેન્દ્રિય સહાયનો અમુક હિસ્સો (૩૦% થી વધારે નહિ) આવી આવક પેદા કરવાની યોજનાઓ માટે અનુરૂપ એવા માળખાકીય વિકાસ માટે પણ ઉપયોગ કરવાની છૂટ રહેલી છે.
ખાસ કેન્દ્રીય સહાય એ આદિવાસી વિકાસની રાજ્યની યોજનાઓના પ્રયાસો ઉપરાંતની છે અને તે આદિજાતિ પેટા યોજના TSP રણનીતિનો હિસ્સો છે. આ રણનીતિના બે ઉદ્દેશો છે :-
- અનુસૂચિત જનજાતિઓનો સામાજિક-આર્થિક વિકાસ
- આદિવાસીઓનું શોષણ સામે રક્ષણ.
આ બે પૈકી, સામાન્યતઃ ખાસ કેન્દ્રીય સહાય અનુસૂચિત જનજાતિઓના આર્થિક વિકાસ માટેની યોજનાઓ/પ્રાયોજનાઓ માટે ભંડોળ ઉપલબ્ધ કરી આપે છે.
ભારત સરકારની માર્ગદર્શિકામાં વ્યાપકપણે નીચેનાં ધારાધોરણો સૂચવાયાં છે :-
- ખાસ કેન્દ્રીય સહાય એ મુખ્યત્વે પરિવારલક્ષી આવક પેદા કરી શકાય તેવી યોજનાઓ માટે તેમજ તેને અનુરૂપ માળખાકીય વિકાસ માટે (કુલ ફાળવણીના ૩૦% કરતાં વધુ નહિ) છે.
- જ્યાં કોઈ કેન્દ્રીય ક્ષેત્ર માટે / કેન્દ્ર પુરસ્કૃત યોજના માટે કાર્યક્રમ સૂચવાયો હોય ત્યાં તેને માટે ખાસ કેન્દ્રીય સહાયનો ઉપયોગ કરવો નહિ. તેને બદલે તેવી વિશિષ્ટ યોજના હેઠળ જે ફાળવણી ઉપલબ્ધ કરવામાં આવી હોય તેનો જ ઉપયોગ કરવો.
- મોટી માળખાકીય વિકાસ યોજનાઓનો ખર્ચ આદિજાતિ પેટા વિકાસ પ્રાયોજના (TSP) માંથી મેળવવો. જેમકે માર્ગ, વીજળીકરણ વગેરે માટેનું ખર્ચ ખાસ કેન્દ્રીય સહાયમાં પાડવું નહિ.
- નિદર્શન એકમોને ભંડોળ પૂરું પાડવાની યોજનાનું ખર્ચ પણ ખાસ કેન્દ્રીય સહાયમાંથી મેળવવું નહિ.
- માત્ર ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી લોકોને જ ખાસ કેન્દ્રીય સહાય દ્વારા પૂરી પડાતી પ્રવૃતિઓમાં સમાવવા, સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા જેનું ભંડોળ મળતું હોય તેવી વિશિષ્ટ યોજનાકીય પ્રાયોજના માટે સામાન્યતઃ ફાળવણીનો અમુક હિસ્સો રાજ્ય સરકારના ફાળા તરીકે સૂચવાય છે. આવો હિસ્સો સામાન્ય સ્ટેટ પ્લાનમાંથી જ મેળવવો, નહિ કે ખાસ કેન્દ્રીય સહાયમાંથી.
- જ્યાં રાજ્ય સરકારનાં સંગઠનો જેમકે આદિવાસી વિકાસ સહકારી નિગમ (TD CCS) અથવા વન વિકાસ નિગમ (FDCs) આદિવાસી વિકાસ અને કલ્યાણની યોજનાઓનો વહીવટ કરે છે ત્યાં શેરફાળો પણ ભારત સરકારની અગાઉથી મંજૂરી મેળવ્યા વિના ખાસ કેન્દ્રીય સહાયમાંથી મેળવવો નહિ. આમ કરવાથી સંબંધિત પ્રવૃતિઓનું સુચારુ સુનિયંત્રણ કરી શકાશે.
- આદિવાસીઓ સંબંધિત ખાસ ક્ષેત્રોને રેશમકીડા ઉછેર, બાગબાની, વગેરે જેવી યોજનાઓને ખાસ કેન્દ્રીય સહાય દ્વારા વિશેષ બળ પૂરું પાડવું.
- હાથ પરના અન્ય વિકાસ કાર્યક્રમો અંતર્ગત ભંડોળનો સંયોજક પ્રવાહ ઉપલબ્ધ હોય ત્યાં બહેતર સ્થાનીય અને વસતિ વિષયક આવર્તન માટે આવા ભંડોળને તેવા હેતુ પરત્વે જોડવું.