ભારતના બંધારણની કલમ ૪૬ માં સૂચવાયું છે કે રાજ્યે અનુસૂચિત જનજાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક હિતોને આગળ ધપાવવા માટે તેમજ તેઓને સામાજિક અન્યાય અને શોષણમાંથી બચાવવા માટે વિશેષ સંભાળ લેવી જોઈએ. અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને બહેતર જીવન માટે નીચેનાં પગલાંઓ લેવાઈ રહ્યાં છે :
- મુંબઈ જમીન મહેસૂલ (ગુજરાત બીજા સુધારા) અધિનિયમ, ૧૯૮૦ દ્વારા અનુસૂચિત જનજાતિઓના લોકોની ખેતીની જમીનના હસ્તાંતરણ પર અટકાયત અને તેનો કબજો પાછો સોંપવાની જોગવાઈ
- મુંબઈ શાહુકાર ધારો, ૧૯૪૭ નીચે શાહુકારો પર નિયંત્રણ
- મુંબઈ ખેતીવાડી દેવામાં રાહત અધિનિયમ, ૧૯૪૬ અને ગુજરાત ગ્રામીણ દેવામાં રાહત અધિનિયમ, ૧૯૭૬ નીચે દેવામાં મુક્તિ
- રાજ્ય કક્ષાએ LAMP મહામંડળની રચના દ્વારા અનુસૂચિત વિસ્તારોમાં ધીરાણ-સહ-બજાર વ્યવસ્થા માળખાનું સુદ્રઢીકરણ
- આદિવાસીઓ માટે વેતન આવક અને અન્ય આવકની ગોઠવણ
- વજન અને માપ અધિનિયમ, ૧૯૫૮ લાગુ કરવો
- કારખાનાંઓ અને ખેતીના કાર્યમાં ન્યૂનતમ વેતન અધિનિયમનો અમલ
- આદિવાસી ખેડૂતોના ખેત-પાકની સીધી સામુહિક ખરીદી નાગરિક પુરવઠા નિગમ અને રાજ્ય સહકારી બજાર મહામંડળ તેમજ આદિવાસી વિકાસ નિગમ દ્વારા LAMP મારફતે થાય તેવી વ્યવસ્થા
- ગુજરાત આદિવાસી વિકાસ નિગમ અને અન્ય સંસ્થાકીય ધીરાણ સંસ્થા દ્વારા આવશ્યક ધીરાણની વ્યવસ્થા
- આદિવાસી વિકાસ કમિશનરની કચેરીમાં તકેદારી સેલની રાજ્ય કક્ષાએ રચના
- ગુજરાત વન વિકાસ નિગમ તેમજ આદિવાસી જંગલ મજૂરોની સહકારી મંડળી દ્વારા જંગલ પેદાશોની સંસ્થાકીય ખરીદી
- બિનસંગઠિત શ્રમિકોના રક્ષણ અને કલ્યાણ માટે તંત્ર વ્યવસ્થા
- બિનસંગઠિત મહિલા શ્રમિકોનું કલ્યાણ અને માતૃત્વ લાભ યોજના (૧૯૮૬-૮૭ થી ચાલુ)
- આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર રચના અધિનિયમનો અમલ
- ગ્રામીણ મજૂર કલ્યાણ બોર્ડની રચના
- સિંચાઈ અને ઔદ્યોગિક પ્રાયોજનાઓથી અસરગ્રસ્ત બનેલા આદિવાસીઓના પુનઃસ્થાપન અને પુનઃ વર્સન માટે ઉદાર ધારાધોરણો
- વન વસાહત વિકાસ
- અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૯ નો અમલ
આદિવાસીઓએ ધારણ કરેલ જમીનનું હસ્તાંતર નિવારવું
શાહુકારો અને સમાજના અન્ય ભદ્ર વર્ગ દ્વારા થતા શોષણને કારણે ગરીબ અનુસૂચિત જનજાતિના જમીન ધારકોને તેમની જમીનનો કબજો અને માલિકી છોડવાં પડે છે. આથી, રાજ્ય સરકારે મુંબઈ જમીન મહેસૂલ કાયદાની કલમ ૭૩(અ) માં સુધારો કરી નવી ૭૩(અઅ) થી ૭૩(અડ) કલમ દાખલ કરી છે. આ નવી કલમથી જિલ્લા કલેક્ટરને આદિવાસી ખેડૂતે બિન આદિવાસીને તબદીલ કરેલી જમીન મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમની જોગવાઈ અનુસાર રદ કરી શકે છે. આ સુધારો ૧૯૮૧ ના ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. આદિવાસી જે જમીન ધારણ કરતા હોય તે જમીનનું જિલ્લા કલેક્ટરની પરવાનગી વિના તબદીલ કરી શકાતી નથી.
અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૯
ભારત સરકાર ૩૧ માર્ચ, ૧૯૯૦ થી સમાજની બિન અનુસૂચિત જાતિ કે બિન અનુસૂચિત જનજાતિના સભ્યોથી અનુસૂચિત જાતિઓ કે અનુસૂચિત જનજાતિઓના સભ્યોને અત્યાચારોથી બચાવવા માટે અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૯ નો અમલ કરી રહેલ છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ આ કાયદા નીચે ઘડવામાં આવ્યા છે અને આ નિયમો અંતર્ગત અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ/કુટુંબને નાણાકીય સહાય આપવા માટેના ધારાધોરણ બનાવવામાં આવ્યાં છે. ગુજરાત સરકારે પણ આ ધારાધોરણ અપનાવ્યાં છે. અને ગુજરાત રાજ્યમાં પણ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ માં સૂચવવામાં આવેલાં ધોરણો અનુસાર નાણાકીય સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે.
અત્યાચારગ્રસ્ત વિસ્તારોની ઓળખ
ગૃહ વિભાગે અનુસૂચિત જાતિઓ માટે ૧૧ અને અનુસૂચિત જનજાતિઓ માટે ૪ જિલ્લાઓ અત્યાચારના દ્રષ્ટિબિંદુથી સંવેદનશીલ હોવાનું ઠરાવ્યું છે.
અધિકારીઓની નિયુક્તિ
સચિવાલય કક્ષાએ અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ અમલની દેખરેખ અગ્રસચિવ/સચિવ રાખે છે જ્યારે કમિશનરની કક્ષાએ આ કાર્ય કમિશનર બજાવે છે. આ ઉપરાંત કમિશનરની કચેરી કક્ષાએ નાયબ નિયામકના અધ્યક્ષસ્થાને એક "નાગરિક સેલ” રચવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ ૧૩ તકેદારી અધિકારીઓ અને ૨ સમાજકલ્યાણ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અત્યાચારની ઘટનાઓ સંબંધિત નજર રાખે છે.
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર પ્રતિબંધ) નિયમો, ૧૯૯૫ ના નિયમ નં.૯ અન્વયે સચિવ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ(આદિવાસી વિકાસ વિભાગ) નોડલ અધિકારી છે, જ્યારે નિયમ નં.૧૦ અને ૧૩ અન્વયે જિલ્લા કક્ષાના તકેદારી અધિકારીઓ ખાસ અધિકારીઓ તરીકે કાર્ય કરે છે.